શતરંજ કા સ્ટેટઃ ચાલ સે લે કે ચેમ્પિયન તક
ડિસેમ્બર મહિનો વર્ષનો સૌથી છેલ્લે મહિનો ગણાય. આખા વર્ષમાં શું થયું એનું સંક્ષિપ્ત આ મહિનાના છેલ્લા ચાર-પાંચ દિવસોમાં આપણી સામે આવે. દિવાળી પછી આવતા ન્યૂયર પર રીઝોલ્યુશન સેટ ન કર્યું હોય હવે તેને સેટ કરવા માટેનો મહિનો. જેના છેલ્લા દિવસમાં એક આખું વર્ષ બદલી જાય. આમ તો દૈનિક ધોરણ પર તારીખ બદલે પણ વર્ષના અંતિમ દિવસે એક આખું વર્ષ બદલે. આવા બદલાવ વચ્ચે પણ સ્પોર્ટ્સ જગતમાં એક એવો ઈતિહાસ લખાયો જેની નોંધ રમતગમત જગતના દરેક ખેલાડીએ લીધી. મૂંછનો દોરો ફૂટ્યો ન હતો એવી ઉંમરમાં દેશના નામનો ડંકો સાત સમંદર પાર વગાડવાની લોખંડી ઈચ્છાશક્તિ ધરાવનાર વ્યક્તિએ ડિસેમ્બર 2024 બદલી નાંખ્યું. દક્ષિણ ભારતને એક અલગ દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. આ પ્રાંતમાંથી સમયાંતરે એવા વિવાદ સામે આવે કે, અહીંયાના કેટલાક ગોબરગંદાઓ અલગ પ્રાંતની માંગ કરે છે. એની વિચારધારા સામે એમના જ ઝોનમાંથી આવતા વ્યક્તિએ પોતાની સિદ્ધિથી તમાંચો મારીને બોલતી બંધ કરી દીધી. હવે એ જ લોકો વી આર ઈન્ડિયનના પીપૂડી વગાડતા થઈ ગયા. ધેટ્સ એ સક્સેસ. આ સિદ્ધિ હાંસલ કરનાર વ્યક્તિ એટલે રગરગમાં જોશ ધરાવતો તરવરિયો યુવાન એટલે ગુકેશ ડોમ્મારાજુ. (ડી.ગુકેશ)
આટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કર્યા બાદ એના જીવનના ફ્લેશબેકમાં ડોકિંયુ કરવામાં આવે તો પહેલીવાત એ શીખવા મળે છે કે, હારને પચાવતા શીખવી પડે. વિષય રમતનો છે એની સાથે સૌથી વધુ જેની ચર્ચા સદાય થતી રહે છે એવા ક્રિકેટની પણ વાત કરીએ તો વિરાટનું કંગાળ પ્રદર્શન કેવું હતું એના દરેક ક્રિકેટપ્રેમી સાક્ષી રહ્યા છે. પત્તાપ્રેમીઓએ તો એના પર નંબર લગાવવાના બંધ કરી દીધા હતા. આ ભાઈનું બેટ ઉપડ્યું છેલ્લા ટી20 વિશ્વકપમાં. હાફસેન્ચુરી પૂરી કરીને ભાઈ ફોર્મમાં આવ્યો. એવી જ રીતે ગુકેશે પણ અંતિમ તબક્કામાં હરિફને પરસેવો લેવડાવી દીધો. ચીનના ખેલાડી ડિંન લિરેનને માત આપી દીધી. ચેસ ચેમ્પિયન ગુકેશ ચેન્નઈથી આવે છે. દક્ષિણ ભારતનું મહાનગર તમિલનાડું રાજ્યનું એપી સેન્ટર ગણાય છે. આ રાજ્યને ચેસનું કેન્દ્ર જ નહીં ગઢ કહેવામાં આવે છે. દેશના કુલ 85 ગ્રાન્ડ માસ્ટર્સમાંથી 31 તમિલનાડુંના છે. હવે તો માનવું પડે કે, બુદ્ધિ તો બાકી સાઉથમાં છે.
આટલું વાંચ્યા બાદ સવાલ એ થાય કે, આમાં નવું શું છે. લો હવે જે છે એ નવું છે. સમ્રગ દેશના તમામ રાજ્ય કરતા સૌથી વધારે ચેસ મેન્ટર્સ તમિલનાડુંમાંથી છે. શતરંજને તમિલ ભાષામાં સથુરંગમ નામથી ઓળખાય છે. જેની ઉત્પત્તિ તમિલ ભૂમીમાંથી થઈ છે. એવું તમિલનાડુંના દરેક લોકોનું માનવું છે. તિરૂવરૂર નામનું એક સરસ સિટી છે. તમિલનાડુંના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલીને પણ અહીંયાથી રાજકીય સફર શરૂ કરી છે. જ્યાં સથરંગ વલ્લભનાથન મંદિર છે. જેની કલાકૃતિ મનમોહક છે. આ મંદિરનમાં જે પ્રભુ બિરાજમાન છે એને શતરંજના દેવતા મનાય છે. કહાની યહાં સે શુરૂ હોતી હૈ. દંતકથા અનુસાર પ્રભુ શિવે એક ભક્તને રાજાની દીકરી સામે શતરંજમાં જીતી બતાવવાનું કહ્યું. આ ભક્ત જીતી જતા નામ અપાયું સથરંગ વલ્લભનાથન. હવે રાજરાજેશ્વરી તરીકે રહેલી સુંદરીને પાર્વતીનું રૂપ માનવામાં આવે છે. આ રાજકુમારી પણ એક શતરંગની અનુભવી ખેલાડી રહી ચૂકી હતી.
સુંદરીના પિતા રાજા વસુસેને એ પણ એવું એલાન કરેલું હતું કે, જે સુંદરીને શતરંજમાં હરાવશે એના લગ્ન સુંદરી સાથે થશે. પિતા (રાજા)એ જ ચિંતા વ્યક્ત કરી કે, આને કોઈ પરાજીત કરી શકતું ન હતું. શિવકૃપાથી એક ભક્તે આ કરી બતાવ્યું. એવું પણ કહેવાય છે કે, આ કોઈ ભક્ત નહીં પણ સ્વયં પ્રભુ શિવ જ હતા. આ મંદિરના ડૉક્યુમેન્ટેશનમાં ચેસનો ઉલ્લેખ છે. વિશ્વનાથ આનંદથી લઈને માસ્ટર મૈનુઅલ આરોન સુધી દરેક માસ્ટરે પોતાના શિષ્યોને તૈયાર કર્યા. આ રીતે તૈયાર થઈ ટીમ ચેસ. જેને દુનિયાભારના ચેસના ખેલાડીને લલકારી ચેઝ કર્યા. તમિલનાડુંમાં બાળક જ્યારે સ્કૂલમાં હોય એ સમયથી એમને ચેસની ચાલનું પ્રાથમિક પ્રકરણ શિખવાડમાં આવે છે. દેશની પ્રથમ મહિલા ગ્રાન્ડમાસ્ટર સુબ્બારામન વિજયલક્ષ્મી પણ તમિલનાડુંથી હતા. ગ્રાન્ડમાસ્ટર્સની યાદીમાં કુલ 18 જેટલી તો મહિલાઓ છે. હવે કહેતા નહીં કે, છોકરીઓની બુદ્ધિ પગની પાનીએ હોય કારણ કે, ચેસ દિમાગથી રમાતી ગેમ છે.
જે રીતે આપણે ત્યાં શેરીએ શેરીએ સ્ટાર્ટઅપ (વેપાર, બિઝનેસ) ઊભું કરવા માટેના ભેજાબાજ છે એમ તમિલનાડુંના દરેક જિલ્લામાં શતરંજના પાવરફૂલ અને ઓરિજિનલ ખેલાડી છે. તમિલનાડું રાજ્યમાં એક પ્રોગ્રામ ચાલે છે. જેનું નામ છે સેવન ટું સેવનટીન. જે અંતર્ગત સાત વર્ષનું બાળક થાય એટલે એને ચેસની તાલીમ આપવામાં આપવામાં આવે છે. વેલામ્મલ વિદ્યાલય. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે જોડાયેલી એક એવી સરકારી પ્રાથમિક શાળા, જ્યાં 10000થી વધારે વિદ્યાર્થીઓને ચેસની ટ્રેનિંગ આપવામાં આવે છે. જે ચેસ રમવામાં હોશિયાર હોય એને પછી ભણવાનું ભારણ દેવાતું નથી. ચેસમાં જ એનો ગ્રોથ અને ગોલ ફિક્સ કરી દેવાય છે. આને કહેવાય સ્પોર્ટ્સના બીજ શિશુવયમાંથી. આપણા ગુકેશભાઈ પણ આ જ સ્કૂલના વિદ્યાર્થી છે.
તમિલનાડુંમાં શતરંજ એ કોઈ ગેમ નહીં પણ સંસ્કૃતિ છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. તમિલનાડું સરકાર અને વેલમ્મલ જેવી સંસ્થાના પ્રયાસથી આ રાજ્ય ચેસનું પેરેડાઈઝ છે. એક સ્પોર્ટ્સ કલ્ચર કેવી રીતે બને એ તમિલનાડું પાસેથી શીખવું પડે. ગૂગલસર્ચ કરજો નેપિયર બ્રિજ. ચેસની દુનિયામાં પગલાં પાડ્યા હોય એવું લાગશે. માત્ર વાતો કરવાની જ વાત નથી. સમયાંતરે જે ટુર્નામેન્ટ થાય છે એમાં લાખો રૂપિાયના ઈનામ પણ વિજેતાને અપાય છે. ભાગ લેનારને પ્રમાણપત્ર અપાય છે. હવે તમે કહેશો કે એમ તો આપણે અહીંયા ખેલ મહાકુંભ પણ થાય છે. કડવું સત્ય સ્વીકારવું પડે કે, ગુજરાતમાંથી કોઈ જ ગ્રાન્ડમાસ્ટર્સ નથી. ચેસ ચેમ્પિયન નથી. પીટીની ચોપડીમાં ચેસનો પાઠ નથી. હશે તો પણ તજજ્ઞ નથી.
No comments:
Post a Comment